રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શું સ્થિતી રહેશે તેને લઈને હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી ચાર-પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે, તેમાં પણ આગામી 4 અને 5 ઓગસ્ટે અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ જ ઓછા વરસાદની સંભાવના છે. જો કો ગુજરાતમાં આગામી 4 અને 5 ઓગસ્ટે એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.
બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશનના કારણે વરસાદ
હવામાન વિભાગે વરસાદ પાછળનું કારણ આપતાં જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશનના કારણે પણ ગુજરાત રિજીયનમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. જોકે, આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે નહીં. ભારે પવનને કારણે 3 અને 4 ઓગસ્ટ દરમિયાન સાઉથ ગુજરાતમાં એકાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે આ દરમિયાન સતત વરસાદ નહીં પડે, પરંતુ હાલની જેમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. રાજ્યમાં કુલ વરસાદની વાત કરતાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 69 ટકા એક્સેસ વરસાદ પડ્યો છે, જ્યારે 92 ટકા સિઝનલ વરસાદ ખાબકી ચૂક્યો છે.