હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય છે. ગમે તે તહેવાર કેમ ન હોય પરંતુ તેની ઉજવણી ત્યાં સુધી અધૂરી લાગે છે જ્યાં સુધી એ તહેવારમાં ગરબા ન કરવામાં આવે. ગરબાને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ હોય છે. પહેલા શેરીઓમાં ગરબા રમતા હતા, તે પછી સોસાયટીમાં ગરબાની શરૂઆત થઈ અને હવે તો પાર્ટી પ્લોટમાં ગરબા રમાઈ રહ્યા છે. દરેક પર્વની સાથે પરંપરાઓ જોડાયેલી હોય છે પરંતુ સમયની સાથે સાથે એ પરંપરાઓમાં બદલાવ આવતા હોય છે અથવા તો એ પરંપરા વિસરાઈ જતી હોય છે. ત્યારે આવી જ એક પરંપરા છે જ્યાં ગરબા રમાતા હોય ત્યાં માટીથી ગબ્બર બનાવી માતાજીની સ્થાપના કરવી.
મહોલ્લા માતાની કરવામાં આવતી હતી સ્થાપના
કોઈ પણ તહેવાર આપણે ઉજવીય છે તેની પાછળ સંસ્કૃતિ, પરંપરા જોડાયેલી હોય છે. નવરાત્રીની ઉજવણી દરમિયાન ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. એક સમય હતો જ્યારે નવરાત્રી દરમિયાન બાળકો દ્વારા મહોલ્લા માતા બનાવવામાં આવતા. મહોલ્લા માતાજીની સ્થાપના કરવામાં આવતી હતી. પરંતુ સમયની સાથે સાથે આ પરંપરા વિસરાઈ ગઈ. હવે ટેબલ પર માતાજીનો ફોટો રાખવામાં આવે છે અને તેની આજુબાજુ ગરબા કરવામાં આવે છે. પરંતુ એક સમય હતો જ્યારે મહોલ્લા માતાની આસપાસ ગરબા રમાતા હતા. પરંતુ મહોલ્લા માતાની સ્થાપના નથી કરવામાં આવતી. ત્યારે અમદાવાદમાં આજે પણ એક સોસાયટી છે જ્યાં માટીના મહોલ્લા માતાની સ્થાપના કરવામાં આવી છે.
નવરાત્રી પહેલા સોસાટીમાં બાળકો બનાવતા હતા મહોલ્લા માતા
બાળકોમાં નાનપણથી ઈશ્વર પ્રત્યે આસ્થા જાગે તે માટે વાલીઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. માતાજી પ્રત્યે બાળકોને આસ્થા જાગે તે માટે ગામ, સોસાયટી, પોળમાં ગબ્બરની સ્થાપના કરવામાં આવે છે. માતાજીના તીર્થસ્થાન એવા ગબ્બરને બનાવવામાં આવે છે અને એમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. મહોલ્લા માતા બનાવવામાં આવે છે જેમાં માટીમાંથી પહાડ, નદી, તળાવ, રસ્તા, ગુફા વગેરે બનાવવામાં આવે છે. સાથે સાથે ફુવારા, ઉડનખટોલા, નાના નાના રમકડાથી સજાવટ પણ કરવામાં આવે છે. પરંતુ ધીરે ધીરે આ પરંપરા બદલાઈ રહી છે.
નરોડામાં આવેલી આ સોસાયટીમાં બાળકોએ પાવાગઢ બનાવ્યો
સમયની સાથે પરંપરામાં અનેકો બદલાવ આવતા હોય છે. અનેક પરંપરાઓ એવી છે જે વિસરાઈ જતી હોય છે. આ નવરાત્રીમાં જ અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં રોબોટ દ્વારા આરતી કરવામાં આવે છે. સમયની સાથે માણસો પોતાની પરંપરા ભૂલતો જાય છે. મહોલ્લા માતા બનાવ્યા હોય તેવી સોસાયટીઓ તો મળતી નથી પરંતુ અમદાવાદમાં એક એવી સોસાયટી છે જ્યાં આજે પણ બાળકો દ્વારા મહોલ્લા માતાની સ્થાપના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહોલ્લા માતાની સ્થાપના કરવાથી માતાજી આખું વર્ષ સોસાયટીની રક્ષા કરે છે. ત્યારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ સોસાયટીના બાળકો દ્વારા સુંદર પાવાગઢ બનાવવામાં આવ્યો છે. તમે પણ તમારા નાનપણમાં આવો પાવાગઢ બનાવ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવો...