શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવતા માઈ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોહનથાળની બદલીમાં ચિક્કીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ વિરોધ કર્યો હતો. પ્રસાદ બંધ કરાતા અનેક સંગઠનો દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વધતા જતા વિરોધને લઈ હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ નિર્ણયને કારણે માઈભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. ત્યારે આજથી મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરને કરાઈ હતી અનેક રજૂઆત
એકાએક શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં માઈભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રસાદ બંધ કરાતા કોંગ્રેસ, વિશ્વ હિંદુ પરિષદ સહિતના અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી. તે ઉપરાંત ભક્તો દ્વારા નિ:શુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસાદનો વિવાદ વધતો જઈ રહ્યો હતો.
માઈભક્તોને અપાઈ રહ્યો છે મોહનથાળનો પ્રસાદ
પ્રસાદને લઈ સરકાર દ્વારા અનેક નિવેદનો સામે આવ્યા હતા. વધતા વિરોધને લઈ સરકારે અચાનક એક મીટિંગ બોલાવી હતી. જેમાં ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. મીટિંગ બાદ મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મોહનથાળની સાથે સાથે ચિક્કીનો પ્રસાદ પણ આપવામાં આવશે. આ જાહેરાતને લઈ માઈભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જાહેરાત બાદ મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. માતાજીને ધરાવ્યા બાદ માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.