છેલ્લા અઠવાડિયાથી શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મોહનથાળ પ્રસાદ બંધ થતા માઈ ભક્તોમાં નારાજગી વ્યાપી ઉઠી હતી. મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની ભક્તો માગ કરી રહ્યા છે. જો પ્રસાદ ફરી શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચિમકી વિવિધ સંગઠન દ્વારા આપવામાં આવી છે. કોંગ્રેસ પણ આ મુદ્દાને લઈ ગંભીર બની છે. ત્યારે આજે અંબાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
અંબાજીમાં કરાયું છે બંધનું એલાન
મોહનથાળ પ્રસાદનો વિવાદ સતત વધી રહ્યો છે. ગયા અઠવાડિયાથી શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મહાપ્રસાદ ગણાતા મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા માઈભક્તોમાં તેમજ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચિક્કી લેવાનું ભક્તો ટાળી રહ્યા છે. વિવિધ સંગઠનો દ્વારા મોહનથાળ પ્રસાદ ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ અંગે નિર્ણય લેવાયો નથી. ત્યારે આજે અંબાજી બંધનું એલાન અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. લોકો સ્વૈચ્છિક રીતે ધંધા રોજગાર બંધ રાખશે. આ મુદ્દો ધાર્મિક મુદ્દો છે પરંતુ તેમાં રાજકારણની એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પણ ધરણા કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં કરાયો હતો વિરોધ
વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ દ્વારા પ્રશ્નો અને મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે મોહનથાળ પ્રસાદનો મુદ્દો પણ ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં મોહનથાળની વહેંચણી કરી હતી. બોલ મારી અંબે જય જય અંબેના નારા લગવી ગૃહની બહાર નીકળી ગયા હતા. તે ઉપરાંત કોંગ્રેસ રવિવારે મંદિરોમાં મોહનથાળ પ્રસાદની વહેંચણી કરવાની છે.