છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં દાયકાઓથી જીતતા આવતા કદાવર નેતા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે. મોહનસિંહ રાઠવા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેનો અર્થ એવો થઈ શકે કે હવે નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ મળશે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને આપ્યું રાજીનામું
અગાઉ પણ મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. જ્યારે હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરને પત્ર લખીને જાણ કરી છે. પત્રમાં તેમણે લખ્યું હતું કે તેઓ છોટાઉદેપુર 137 બેઠક પરથી રાજીનામું આપે છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસના સદસ્ય સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. મોહનસિંહ રાઠવા તેમના પુત્ર માટે ટિકિટ માગી રહ્યા હતા. તેમનું જણાવવું હતું કે યુવાનોને ટિકિટ મળે તો સારું.
કોણ છે મોહનસિંહ રાઠવા?
મોહનસિંહ રાઠવા 1972થી ધારાસભ્ય પદે છે. તેઓ સતત 11 ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે અને 10 વાર ચૂંટણી જીત્યા છે. મોહનસિંહ રાઠવા બે વાર લોકસભા માટે પણ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમનો હારનો સામનો કરવો પડ્યો હતો.