કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં 'મોદી સરનેમ' મામલે વર્ષ 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠરાવવા પર રોક લગાવવા માટે રિજોઇન્ડર એફિડેવિટ દાખલ કરી હતી. 'મોદી સરનેમ' કેસમાં સુરતની કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ સાંસદનું પદ ગુમાવ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના સોગંદનામામાં માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે તે "ગુના માટે દોષિત નથી અને સજાનો આ ચુકાદો નૈતિક રીતે ટકી શકે તેવો નથી".
રાહુલ ગાંધીએ સોગંધનામામાં શું કહ્યું?
રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં કહ્યું છે કે માફી માંગીને કેસમાં ચાલી રહેલા ટ્રાયલની દિશા બદલી શકાય છે. ઉપરાંત, RP એક્ટ હેઠળ ફોજદારી પ્રક્રિયા અને તેના પરિણામોનો ઉપયોગ પણ કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયાનો દુરુપયોગ હોઈ શકે છે. રાહુલે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે કોઈ પણ જનપ્રતિનિધિને કોઈ પણ ભૂલ વિના માફી માંગવા માટે દબાણ કરી શકાય નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે માનહાનિ કેસમાં મહત્તમ સજાના પગલે તેમને સંસદનું સભ્ય પદ ગુમાવવું પડશે. પૂર્ણેશ મોદી પોતે મૂળ મોદી સમુદાયના નથી. આ પહેલા તેને કોઈપણ કેસમાં સજા થઈ નથી. માફી ન માગવા બદલ તેને ઘમંડી કહેવું ખોટું છે. આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ફોજદારી પ્રક્રિયા સાથે ન્યાયિક પ્રક્રિયાના ઘોર દુરુપયોગ સમાન છે અને સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવું જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે 4 ઓગસ્ટે સુનાવણી કરશે.