ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસે તેનું પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા અભિષેક મનુ સંઘવી આજે પ્રચાર માટે સુરત આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે ભારત દેશનો વિકાસ દર કોંગ્રેસના સમયમાં જે હતો તેની ઘટીને મોદી સરકારમાં અડધો થઈ ગયો છે. કોંગ્રેસ સતત વિકાસલક્ષી કામગીરી કરતી હતી પરંતુ ભાજપ માત્ર વાતો જ કરી રહી છે.
ભાજપના શાસનમાં વિકાસદર અડધો થઈ ગયો
ભાજપ સરકાર પર પ્રહારો કરતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું હતુ કે, ભાજપના શાસનમાં વિકાસ દર સતત ઘટી રહ્યો છે ભાજપ શાસકો માત્ર વાતો જ કરી રહ્યા છે વિકાસ કરી રહ્યો નથી. દેશમાં જ્યારે કોંગ્રેસની યુપીએ સરકાર હતી ત્યારે ભારત દેશના વિકાસનો દર 8.4 ટકા હતો. પરંતુ હાલમાં મોદી શાસનમાં આ વિકાસદર ઘટીને 4.8 ટકા થઈ ગયો છે.
UPA સરકારમાં ગરીબી ઘટીને 21.9 ટકા હતી
2004માં ગરીબી રેખા નીચે જીવતા લોકો લોકોની ટકાવારી 37.2 ટકા હતી. પરંતુ યુપીએ સરકારની સતત વિકાસ લક્ષી કામગીરી ના કારણે 2011માં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સખ્યા ઘટીને 21.9 ટકા થઈ ગઈ હતી. પરંતુ ભાજપની મોદી સરકાર સદંતર નિષ્ફળ રહી છે અને આજે પણ 20.2 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે.