દેશમાં ટેલિકોમ ગ્રાહકોને 4G અને 5G સેવાઓ માટે તગડી રકમ ચૂકવતા હોવા છતાં યોગ્ય સેવા મળતી નથી. લગભગ 32 ટકા મોબાઇલ સેવા સબ્સ્ક્રાઇબર્સ તેમના મોટાભાગના દિવસ માટે કવરેજ મેળવી શક્તા નથી અને સર્વે કરાયેલા 69 ટકા લોકો દરરોજ કૉલ કનેક્શન અને કોલ ડ્રોપની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં લોકલ સર્કલ્સે કરેલા એક સર્વેમાં આ મોટો ખુલાસો થયો છે.
50 ટકાથી વધુ ગ્રાહકોને વોઈસ કોલ્સમાં સમસ્યા
લોકલસર્કલ્સના જણાવ્યા અનુસાર,દેશમાં માત્ર 26 ટકા મોબાઇલ સર્વિસ સબ્સ્ક્રાઇબર્સે જણાવ્યું હતું કે તેમના ઘરમાં હાલના તમામ ઓપરેટરોનું વોઈસ કવરેજ સારૂ છે. જ્યારે 5 ટકાએ જણાવ્યું હતું કે તેમના કાર્યસ્થળે ત્રણેય ઓપરેટરોનું સારું વોઈસ કવરેજ છે. 20 ટકા ટેલિકોમ ગ્રાહકો કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યારે 50 ટકાથી વધુ સબ્સક્રાઈબર્સ વોઈસ કોલ્સની સમસ્યાથી ત્રસ્ત છે.
માત્ર 16 ટકા ગ્રાહકોએ 5G પર સ્વિચ કર્યું
લોકલ સર્કલ્સે TRAI સાથે 5G સર્વિસ પરના તેના સર્વેના તારણો શેર કર્યા છે, દેશમાં માત્ર 16 ટકા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સએ જ 5G પર સ્વિચ કર્યું છે. આ સબ્સ્ક્રાઇબર્સે જ 5G કોલ કનેક્શન અને કોલ ડ્રોપની સમસ્યાઓમાં સુધારો દર્શાવ્યો છે.