પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા ધારાસભ્ય ટી. રાજા સિંહની ગુરૂવારે બીજી વખત ધરપકડ થઈ છે, હૈદરાબાદના ગોશામહલના ધારાસભ્ય ટી. રાજા સિંહને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. પોલીસે તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. તેમની ધરપકડના સમયે સેંકડો લોકો એકઠા થયા હતા, લોકોના ટોળાએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ટી રાજા સિંહની આ પૂર્વે પણ ધરપકડ કરવામાં આવી હતી પણ બાદમાં કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા.
લોકોના ભારે વિરોધના પગલે ધરપકડ
ધારાસભ્ય ટી. રાજા સિંહને જામીન મળતા લઘુમતી સમુદાયમાં ભારે આક્રોસ જોવા મળ્યો હતો, બુધવારે હજારો લોકો હૈદરાબાદના માર્ગો પર ઉતરી આવ્યા હતા. ગુસ્સે થયેલા ટોળાએ 'સિર તન સે જુદા'ના નારા લગાવતા ટી. રાજા સિંહ સામે કાર્યવાહીની માંગ કરી હતી. લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શનો કરતા અંતે હૈદરાબાદ પોલીસે પ્રિવેન્સન ડિટેન્સન એક્ટ હેઠળ તેમની ધરપકડ કરી હતી. તેમની સામે 101 કેસ નોંધાયા છે, જેમાંથી 18 કેસ સાંપ્રદાયિક ભાવનાને ભડકાવવાના છે. ટી. રાજા સિંહને હાલ ચેરિયાપલ્લી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે.
વિવાદ શા માટે વકર્યો
જાણીતા કોમેડિયન મુનવ્વર ફારૂખીના હૈદરાબાદમાં યોજાયેલા કાર્યક્રમનો વિરોધ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં તેમણે કહ્યું હતું કે ફારૂખીએ આપણા ભગવાન રામ અને સીતા પર ટિપ્પણી કરી હતી. તેમના વિડિયોમાં ટી. રાજા સિંહે ફારુખીના કાર્યક્રમને મંજુરી આપવાને લઈ વિરોધ કર્યો હતો. આ જ વિડિયોમાં તેમણે પયંગબરને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને ત્યાર બાદ બબાલ મચી ગઈ હતી. જો કે વિવાદ વધતા યૂ ટ્યૂબે તેમનો વિડિયો ડિલીટ કરી દીધો હતો, આ વિવાદ વકરતા ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શનો હિંસક પણ થઈ ગયા હતા.