ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે આજે પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીતેલા તમામ ઉમેદવારો કમલમ ખાતે હાજર હતા. જેમાં વિધાનસભા પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે.
રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે
કનુ દેસાઈએ આ બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને શંકર ચૌધરી, પુર્ણેશ મોદી, મનીષા વકીલ અને રમણલાલ વોરાએ ટેકો જાહેર કર્યો છે. આ બેઠકમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ નિરીક્ષકોએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. આજે બપોરે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવશે.
દિલ્હીમાં બેઠક બાદ લાગશે મંત્રીમંડળના નામ પર મોહર
આ બેઠકમાં મંત્રીમંડળને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળમાં 22થી 23 સભ્યો હોઈ શકે છે. જેમાં નવા અને જૂના ચહેરોઓને સ્થાન આપવામાં આવશે. 10 કે 11 કેબિનેટમંત્રી અને 12-13 રાજ્યકક્ષાના મંત્રી બને તેવી શક્યતા છે. બપોરના સમય બાદ સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. અને દિલ્હી ખાતે મંત્રીમંડળના નામો પર અંતિમ મોહર લાગશે.