મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાસણા ગામ પાસે યુવતીની હત્યા મામલે પોલીસની નિષ્ફળતા પર વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરસ યોજી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમે મહેસાણા પોલીસને 24 કલાકમાં આરોપીઓને પકડી પાડવા અલ્ટીમેટમ આપીએ છીએ, નહીં તો સમગ્ર રાજ્યમાં પોલસ વિરૂધ્ધ ધરણા-પ્રદર્શનો કરીશું.
દલિતો પ્રત્યે ઓરમાયું વર્તન
જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો કે હજુ સુધી કોઈ મંત્રી અને ગૃહમંત્રીએ આ મામલે કોઈ સંવેદના દાખવી નથી. RSS અને ભાજપ સરકાર દલિત સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે. આ કારણે ગુજરાતના 50 લાખ દલિતોની ધીરજ ખૂટી રહી છે જો આવું જ રહેશે તો આગામી સમયમાં દલિત સમાજ આંદોલન કરશે.આગામી 24 કલાકમાં એસઆઈટીની રચના કરો અથવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સુપ્રત કરવામાં આવે. 24 કલાકમાં તમામ આરોપીની ધરપકડ કરો ની માગ સાથે ઉગ્ર રજુવાત કરી હતી. જો કે મહેસાણા પોલીસે અત્યાર સુધી 15 જેટલા લોકોની અટકાયત કરી તપાસ કરી છે અને 60 લોકોની એક ટીમ આ મુદ્દે તપાસ કરી રહી છે.
સમગ્ર મામલો શું હતો?
મહેસાણાના જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામની યુવતી મહેસાણાના મોલમાં નોકરી કરતી હતી. જે નોકરીએથી પરત ફરતી વેળાએ ગુમ થઇ ગઇ હતી. જેના બે દિવસ બાદ બાસણા ગામ પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવતીના એને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો. યુવતીની માતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં યુવતીને દુપટ્ટા વડે ગળું દબાવી તેમજ માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. બાસણા ગામ પાસે ત્રણ દિવસ પહેલા એક યુવતીની નગ્ન હાલતમાં લાશ મળી હતી. જો કે આ ઘટના બાદ મહેસાણા પોલીસ આરોપી સુધી પહોંચવામાં નાકામ રહી છે ત્યારે આજે મહેસાણા ખાતે જીગ્નેશ મેવાણી અને દલિત સમાજના આગેવાનોની એક મીટીંગ મળી હતી અને આ મુદ્દે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા કર્યા હતા. જોકે આ ઘટનામાં વિસનગર ધારાસભ્યએ આજ દિન સુધી કોઈ પણ પ્રકારે સંવેદના વ્યક્ત ન કરી જેને લઇ દલિત સમાજ નારાજ જોવા મળ્યો હતો.