ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળાની જેલમાં છે. તેમને સુરક્ષાના કારણોસર અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. તો બીજી બાજુ ચૈતર વસાવાની એક મહિના સુધી જેલમાં તપાસ થશે. અધિકારી અઠવાડિયામાં 2 દિવસ પૂછપરછ કરશે તેવો હુકમ નર્મદા સેશન્સ કોર્ટે કર્યો છે. એટલે જેલમાં પણ તેઓની મુસીબત ઓછી થાય તેવા કોઈ અણસાર દેખાતા નથી.
વનકર્મી પર ચૈતર વસાવા અને તેમના સાથીઓએ કર્યું ફાયરિંગ!
ચૈતર વસાવા ભલે છેલ્લા 11 દિવસથી જેલમાં છે પરંતુ તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી વાત તેમના દ્વારા પહોંચાડવામાં આવી છે. તેમનાં સમર્થકો ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે પણ ચૈતર વસાવાને હવે જેલમાં પણ ચેનથી શ્વાસ લેવા નહીં મળે. જ્યારે આ આખો કેસ સામે આવ્યો ત્યારે એફઆઈઆરમાં જે રીતના ફરિયાદ થઈ હતી કે ચૈતર વસાવા અને એમના સાથીદારોએ ફાયરિંગ પણ કર્યું હતું. તો હવે પોલીસે કોઈપણ સંજોગોમાં એના સબૂત તો શોધવા જ પડશે ત્યારે હવે જેલમાં પૂછપરછ દરમિયાન શું સામે આવે છે તે જોવાનું રહ્યું.
રિમાન્ડને વધારવા માટે કરાઈ શકે છે રજૂઆત!
ડેડીયાપાડા ટ્રાયલ કોર્ટે વધુ 10 દિવસના નામંજૂર કરેલા રિમાન્ડને ડેડીયાપાડા તપાસ અધિકારી પીઆઈ પી.જે.પંડ્યાએ 20 ડિસેમ્બરે રિવિઝન અરજી કરી નર્મદા સેશન્સ કોર્ટમાં પડકારી હતી. નર્મદા પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ નેહલકુમાર જોષી સમક્ષ વધુ 10 દિવસના રિમાન્ડ માટેની રિવિઝન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. સરકાર તરફે સરકારી વકીલ જે.જે.ગોહિલ હાજર રહ્યાં હતાં. જેમાં તપાસ અધિકારી અને સરકારી વકીલે રિવોલ્વર રિકવર કરવા અને અન્ય ઘણી હકીકતો બહાર આવી શકે તેમ હોય તેમજ વધુ રિમાન્ડ મંજૂર કરવા રજૂઆતો કરી હતી.
7 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ આવશે ડેડીયાપાડા
કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ચૈતર વસાવાની પોલીસ એક મહિના સુધી જેલમાં સપ્તાહમાં 2 દિવસ સુધી પૂછપરછ કરી શકે છે તેઓ હુકમ કર્યો છે. જ્યારે રિવોલ્વરની રિકવરીના એકના એક મુદ્દે માગવામાં આવતા રિમાન્ડમાં કોર્ટે રિવોલ્વર સંતાડી હોય કે પુરાવાનો નાશ કર્યાનું જણાતું હોય તો પોલીસને આઈપીસી 201ની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરી શકે છે તેવી પણ ટકોર કરી છે. અને આ બધાની વચ્ચે ચૈતર વસાવા સતત જેલમાંથી સંદેશો મોકલે છે કે કોઈપણ સંજોગોમાં એ લોકસભાની ચૂંટણી લડશે આમ આદમી પાર્ટીનાં દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ થોડા સમયમાં ભરૂચની મુલાકાત લેશે તો આ કેસમાં આગળ શું થાય છે એ જોવાનું રહ્યું!