પોતાની માગને લઈ ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેમજ કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો અલગ અલગ રીતે આંદોલન કરી રહ્યા છે અને સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ચીખલી ખાતે ઉમેદવારો સાથે રેલી કાઢી હતી અને જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો હતો.
સાધુ-સંતોને, મુખ્યમંત્રીને ઉમેદવારોએ લખ્યો પત્ર
શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. ઉમેદવારોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, શિક્ષણ મંત્રી સહિત અનેક નેતાઓને, પદાધિકારીને પત્ર લખ્યો કે તેમની માગ સ્વીકારમાં આવે. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. જેને કારણે તેમણે પછી ભગવાનને પત્ર લખ્યો કે તેમની માગને સ્વીકારવામાં આવે. સાધુ સંતોને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી. પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહી.
અનંત પટેલે ઉમેદવારો સાથે ચીખલીમાં યોજી રેલી
ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો આવ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ તેમની સાથે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે આજે ચીખલી ખાતે ધારાસભ્ય અનંત પટેલે ટેટ-ટાટના ઉમેદવારો સાથે રેલી યોજી હતી. સૂત્રોચ્ચાર કરી કાયમી ભરતીની માગ કરી હતી. મહત્વનું છે કે એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે પરંતુ બીજી તરફ અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હવે જોવું રહ્યું કે આ લડાઈનું પરિણામ શું આવે છે?