ગુજરાતના લોકોને ભુકંપનો સૌથી ભયાનક અને ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ 26 જાન્યુઆરી, 2001ના રોજ પ્રજાસત્તાક દિવસની સવારે થયો હતો. જો કે અમરેલી જિલ્લાના એક ગામમાં તો લોકો છેલ્લા એક મહિનાથી ધરતીકંપના આચકાંથી ચિંતિત છે.
એક મહિનામાં 10થી વધુ ભૂકંપના આંચકા
સાવરકુંડલા તાલુકાના ગીર કાંઠાનું મીતીયાળા ગામ હાલ ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે કારણ કે અહીં દિવસ કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે ભૂકંપના નાના-મોટા આચકાઓ આવી રહ્યા છે. આજે વહેલી સવારે અહીં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે આ અંગે સ્થાનિક તંત્ર અજાણ છે. એક મહિનામાં 10થી વધુ વખત ભૂકંપના આંચકા આ ગામમાં આવ્યા હોવાથી ગ્રામજનોમાં ફફડાટ છે. ગામના સરપંચે મીડિયાને ધરતીકંપના આંચકાની માહિતી આપી છે. ગામના લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે ગામના 50 ટકાથી વધુ કાચા મકાનો છે. જો ધરતીકંપ આવે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ છે.
ગામના 50 ટકા મકોનો કાચા
આ ગામમાં 50 ટકા જેટલા મકાનો કાચા છે લોકોના મકાનને ધરતી કંપના કારણે મકોનોની દીવાલોમાં તિરાડો પડવા લાગી છે પરંતુ એક માસથી સતત ભૂકંપના નાના-મોટા આંચકાઓ ગામ લોકો અનુભવી રહ્યા છે ત્યારે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપ આવે એટલે ગામ લોકોને ઘર માંથી બહાર નીકળવું પડે છે. નાના મોટા તમામ લોકોને ભૂકંપનો ભય સતાવી રહ્યો છે.
ગામ લોકો ભયના ઓથાર હેઠળ
મીતીયાળા ગામના લોકો છેલ્લા બે વર્ષથી લોકો ભૂકંપના નાના મોટા આંચકાથી ભયભીત છે. ગત ઉનાળાથી ભૂકંપના આંચકા શરૂ થયાં હતા. ગામની નજીક જ સોનીયો ડુંગર તરીકે જાણીતો એક ડુંગર આવેલો છે. ગામ લોકોનું માનવું છે કે ડુંગરના તળમાં કોઈ હલચલ થઈ રહી છે કારણ કે ભૂકંપની શરૂઆત પણ આ દિશાથી થતી જોવા મળે છે.