સુરતમાં ગુનાહિત પ્રવૃતિઓ ચિંતાજનક રીતે વધી રહી છે, શહેરમાં અવારનવાર ગોળીબાર, લૂંટ, દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. સુરતમાં ભાજપના નેતાના પુત્રએ એક કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં ભાજપના કોર્પોર્ટેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાને એક કોન્ટ્રાક્ટર સાથે તકરાર થતાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતા પાલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી અને દિવ્યેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
શું હતો સમગ્ર મામલો?
સુરત વોર્ડ 1ના કોર્પોર્રેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોર ગામ પર ફાયરિંગ કર્યું હતું. સુરતના ભેંસાણ ગામમાં ઈશ્વર કૃપા રેસિડેન્સીની સાઈટ પર કોન્ટ્રાક્ટર સાથે દિવ્યેશને તકરાર થઈ હતી, ગુસ્સે થયેલા દિવ્યેશે કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભારને નિશાન બનાવી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જો કે નિશાનો ચુકી જતા તે બચી ગયો હતો. ફાયરિંગની ઘટના ભેંસાણ રોડ પર આવેલ નિર્માણધીન ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ સાઇટ પર બની હતી. બાંધકામ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતા લેબર કોન્ટ્રાકટર પોતાના મજૂરોને અન્ય સાઇટ પર મુકી આવ્યો હતો. જેને લઇને દિવ્યેશ અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ દિવ્યેશ તમામ મજુરોને અન્ય સાઈટ પરથી ઈશ્વરકૃપા સોસાયટીની બાંધકામ સાઇટ પર લઇ આવ્યો હતો. લેબર કોન્ટ્રાકટર અન્ય કોન્ટ્રાકટર હેઠળ બાંધકામ સાઇટ પર કામ કરે છે. જ્યાં બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે થયેલ માથાકૂટ બાદ ફાયરિંગ કરાયું હતું.
પોલીસે કરી ધરપકડ
બનાવની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પાલ પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશ પટેલ ઉર્ફે ભેસાણીયાની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અલ્પેશ ભાંભોર ની ફરિયાદના આધારે પાલ પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ પટેલ ઉર્ફે ભેસાણીયા વિરુદ્ધ આઇપીસીની કલમ 307,આર્મ્સ એકટ અને એટ્રોસીટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જ્યાં હાલ ઘટનાની વધુ તપાસ સુરત પોલીસના એસ.સી એસ.ટી સેલ ના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવતા મામાલની વધુ તપાસ એસીપી કક્ષાના અધિકારી કરી રહ્યા છે.ભાજપ કોર્પોરેટર અજીત ઈશ્વરભાઈ પટેલ ઉર્ફે ભેસાણીયા ના પુત્ર દિવ્યેશ દ્વારા કરાયેલ ફાયરિંગની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. કહેવાય રહ્યું છે કે પિતાના હોદ્દા નો દુરુપયોગ કરી સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશે આ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા લોકોના મુખે ચર્ચાઈ રહી છે.