રાજ્યમાં નકલી સરકારી અધિકારીઓ બનવાનો જાણે રાફડો ફાટ્યો છે. થોડા મહિના પહેલા નકલી PMO ઓફિસર કિરણ પટેલ ઝડપાતા હાહાકાર મચી ગયો હતો. PMO અધિકારી બની કિરણ પટેલે કાશ્મીરમાં VVIP સવલત મેળવી હતી. તેની પોલી ખુલી જતા અંતે તેની ધરપકડ કરાવામાં આવી હતી. તે જ પ્રકારે હવે નકલી કેન્દ્રીય મંત્રી પી.એ.ની ઓળખ આપીને ધાકધમકી આપનારા પણ સામે આવ્યા છે તેમાં અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના પી.એ.ની ખોટી ઓળખ આપીને પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી અને સેવક મનસુખભાઇ વસોયાને ધાકધમકી આપવાને મામલે પોલીસે કેન્દ્રીય મંત્રીના પી.એ.ની ઓળખ આપનારા શખ્સને પકડી પાડયો છે. પોલીસે આ નકલી પી.એ. સામે કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
અમરેલી હનુમાનપરા શેરી નંબર 5માં રહેતા અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાનો અમરેલી ખાતે આવેલ કાર્યાલયનો વહીવટ સંભાળતાં હિરેન લાભુભાઈ વાળાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, અજાણ્યા શખ્સે ગત તારીખ 29 નવેમ્બરનાં રોજ સાવરકુંડલાના હાથસણી ગામે આવેલ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી મનસુખભાઈ વસોયાને ફોન કરી પોતાની ઓળખ પુરુષોત્તમ રૂપાલાના PA તરીકે ઓળખ આપી તમારા આશ્રમમાં માનસિક અસ્થિર વ્યક્તિને દાખલ કરવો છે તેમ કહ્યું હતું.આશ્રમના ટ્રસ્ટીએ મહિલા માનસિક અસ્થિર ને જ આશ્રમમાં રાખવામાં આવતાં હોવાનું જણાવી પુરૂષને આશ્રમમાં દાખલ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ થોડીવાર પછી અજાણ્યા શખ્સે ફોન કરી તમારી 11 લાખની ગ્રાંટ મંજુર થવાની હતી તે હું સરકારમાંથી મંજુર કરાવી દઈ પરંતુ હવે તમને આ ગ્રાંટ નહીં મળે તેમ કહી તેણે ફોન કાપી નાખ્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી,પોલીસે મોબાઈલ નંબર અંગે જાણકારી મેળવવા માટે અમરેલી એલ.સી.બીનો સંપર્ક કર્યો હતો. બાદમાં આ મોબાઈલ નંબર ટ્રેક પર રાખવામાં આવતા કોલ કરનાર આ શખ્સ ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો ભાવેશ જગદીશ ગોયાણી હોવાનું સામે આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના પી.એ.ની ખોટી ઓળખ આપનારો ભાવેશ ગોયાણી હાલ પોલીસ મથકની હવા ખાઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના પી.એ.ના નામે ધાકધમકી આપવાના મામલે પોલીસે અન્ય કોઈને કેન્દ્રીય મંત્રી રૂપાલા ના પી.એ.ની ઓળખ આપીને અન્ય લોકોને ધાકધમકી આપવાનું કોઈ કૃત્ય કર્યું છે કે નહિ તેની પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું dysp હરેશ વોરાએ જણાવ્યું હતુ.