માલધારી સમાજ પોતાની વિવિધ માંગણીઓ લઈને સરકારની સામે વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે હવે તેઓ આ વિરોધને વધુ ઉગ્ર બનાવી રહ્યા છે અને બુધવારે માલધારી સમાજ ડેરીમાં દૂધ ન ભરવા અને દૂધનું વેચાણ નહીં કરવા આહ્વાન કર્યું છે. જો કે આ સમાચાર સાંભળતાની સાથે જ લોકો બુધવાર માટે મંગળવારે જ દૂધની ખરીદી કરતા નજરે પડ્યા હતા.
લોકો બુધવાર માટે મંગળવારે જ દૂધની ખરીદી કરતા નજરે પડ્યા
રાજકોટમાં એક ડેરીનું 100 લિટર દૂધ વેચાઈ ગયુંરાજકોટ શહેરમાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ડેરી ફાર્મની માલિક રઘુ રબારીએ જણાવ્યું હતું કે, દૂધના વેચાણ પર પ્રતિબંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી આજે અમે 100 લીટર વધુ દૂધ મંગાવ્યું હતું, જો કે આ 100 લીટર દૂધ પણ પૂરું થવા આવ્યું છે. લોકો બુધવાર માટે આજે જ દૂધની ખરીદી કરી રહ્યા છે. અછત જેવો કોઈ પ્રશ્ન નથી. પણ લોકો આજે જ દૂધની ખરીદી કરો રહ્યા છે. જ્યારે ગ્રાહકો પણ કહી રહ્યા છે કે દૂધનું વેચાણ નથી થવાનું તે જાણ થતાં અમે દૂધની ખરીદી કરવા આવ્યા છીએ. સામાન્ય રીતે રોજ લેતા હોય તેના કરતા વધુ દૂધ ખરીદ કરી રહ્યાં છીએ, જેથી બુધવારે દૂધની કોઈ સમસ્યા ન સર્જાય.
રાજકોટ ડેરીએ અછત ન સર્જાય તેનો પ્લાન બનાવ્યો રાજકોટ ડેરીના એમડી વિનોદ વ્યાસે જણાવ્યું હતું કે, આવતીકાલે દૂધની કોઈ અછત સર્જાશે નહી. સંકલન અને સપ્લાય ની પુરી વ્યવસ્થા ડેરી દ્વારા કરી દેવામાં આવી છે. રાજકોટ ડેરીમાં 750 ચાલુ દૂધ મંડળી છે જેના દ્વારા રોજ 3 થી 3.50 લાખ લીટર દૂધ આપવામાં આવે છે, જેનું વેચાણ ડેરી દ્વારા કરવામાં આવે છે. બુધવારે રાજકોટ ડેરી ચાલુ રહેશે. જો કોઈ સ્વૈચ્છિક દૂધ વેચાણ કરવા નહીં આવે તો તેના કારણે દૂધની આવક ઓછી થશે. એક અંદાજ મુજબ રોજ કરતા 50,000 લીટર દૂધની આવક ઓછી થાય તેવું લાગી રહ્યું છે. પરંતુ લોકોને મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.