અમદાવાદીઓની માટે ખુશીના સમાચાર આવ્યા છે, અમદાવાદ શહેરમાં દોડતી મેટ્રો ટ્રેન હવે રાત્રીના 2 વાગ્યા સુધી દોડશે. ખેલૈયાઓ હવે મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની લાઈફલાઈન મેટ્રો ટ્રેન હવે આજથી 23મી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી દોડશે. 10 વાગ્યા બાદ 20 મિનિટના અંતરે બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન દોડાવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપ મેચને લઈને પણ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સવારે 6.20થી મધ્યરાત્રિના 2 વાગ્યા સુધી દોડશે
અમદાવાદમાં સવારે 6.20થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડે છે. શહેરમાં મેટ્રો ટ્રેનની સેવા સવારે 6.20થી સવારે 7 વાગ્યા સુધી 20 મિનિટનાં અંતરે જ્યારે સવારે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. હવે નવરાત્રિને લઈને આજથી 23 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન સવારે 6.20થી મધ્યરાત્રિના 2 વાગ્યા સુધી દોડશે. જેનાથી ખેલૈયાઓ તથા મુસાફરોને અવરજવરમાં અનુકુળતા રહેશે. રાજ્ય તથા અમદાવાદ શહેરમાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે આ તંત્ર દ્વારા તારીખ 17 થી 23 સુધી મેટ્રો રાત્રીના 2 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.