ભારતમાં ડ્ર્ગ્સની તસ્કરી ચિંતાનો વિષય બન્યો છે, શનિવારે પાકિસ્તાનથી મંગાવવામાં આવેલું 2500 કિલો હાઈ પ્યોરિટી મેથમફેટામાઈન ઝડપી લેવામાં આવ્યું છે. આ રિક્રિએશન ડ્રગ ઈન્ડિયન નેવી અને નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના સંયુક્ત ઓપરેશન બાદ કબજે કરવામાં આવ્યું છે. આ ડ્ર્ગ્સની બજાર કિંમત લગભગ 15 હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે. ડ્રગ્સના જથ્થાની સાથે એક પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. NCBના જણાવ્યા પ્રમાણે આટલી મોટી રકમનું ડ્રગ્સ આ પહેલા ક્યારેય પકડવામાં આવ્યું નથી.
કઈ રીતે ઝડપાયું ડ્રગ્સ?
ઈન્ડિયન નેવીના જણાવ્યા પ્રમાણે ગુપ્ત માહિતીની આધારે ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ ઈન્ડિયન જેવી અને એનસીબીના અધિકારીઓ દ્વારા હિંદ મહાસાગરમાં એક સ્પિડ બોટને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. મધર શિપમાંથી મેથમફેટામાઈન ડ્રગ્સની કુલ 134 બોરી જપ્ત કરવામાં આવી છે. આ શિપ ચલાવતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મધર શિપમાંથી પકડાયેલા સામાનને કોચ્ચી લાવીને આગળની કાર્યવાહી કરવા માટે એનસીબીને સોંપી દેવામાં આવ્યો છે.
ઓપરેશન સમુદ્રગુપ્ત શું છે?
NCBના ડેપ્યુટી ડીજી ( ઓપરેશન્સ) સંજય સિંહના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સની આ ખેપ ભારત, શ્રીલંકા અને માલદિવ માટે હતી. સામાન્ય રીતે આ ડ્ર્ગ્સ ડેથ ક્રેસેન્ટ ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે એનસીબી અને ભારતીય નૌકાદળ દ્વારા ડ્ર્ગ્સના રેકેટને પકડવા માટે ખાસ ઓપરેશન સમુદ્રગુપ્ત શરૂ કરવામાં આવ્યું છે.જાન્યુઆરી 2022માં આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો હેતુ પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનથી આવતા ડ્ર્ગ્સના જથ્થાને સમુદ્રમાં જ ઝડપી લેવાનો છે. છેલ્લા 18 મહિનામાં એનસીબીની આ ત્રીજી મોટી સફળતા છે.