શિયાળામાં ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ચક્રવાત બની રહ્યું છે જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી છે.
માવઠાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આ આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતને કારણે ઓરિસ્સા સહિત દક્ષિણના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ફૂંકાશે. ઉપરાંત બે ડિસેમ્બરથી ઉત્તરભારતમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેને કારણે જમ્મુ-કાશ્મીરથી લઈ પંજાબ, હરિયાણામાં ઠંડીનો ચમકારો અનુભવાશે, ગુજરાતમાં પણ ઠંડીના ચમકારોનો અહેસાસ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા
મહત્વનું છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વરસાદે પહેલેથી જ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો ત્યારે આ કમોસમી વરસાદે તેમની ચિંતામાં અનેક ઘણો વધારો કર્યો છે.