ગુજરાતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લોકો શિયાળા માટેની તૈયારી કરી રહ્યા છે તો ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 26-27 નવેમ્બર વચ્ચે માવઠું આવી શકે છે. માવઠાની આગાહી થતા ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થશે તેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.
26 અને 27 નવેમ્બરે ગુજરાતમાં વરસી શકે છે વરસાદ!
ખેડૂતોની ચિંતા ત્યારે વધતી હોય છે જ્યારે સિઝન હોવાં છતાંય વરસાદ નથી આવતો, કોઈ વખત આવે છે તો એટલો બધો આવે છે કે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસાની સિઝનમાં વરસાદ ખેડૂતોની ચિંતા વધારતો હોય છે પરંતુ તે ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોળી બનતી હોય છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેને કારણે ખેડતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. પાકને મોટા પાયે નુકસાન થશે તેવી ભીતિ ખેડૂતોને પરેશાન કરી રહી છે. ગુજરાતમાં 26-27 નવેમ્બર વચ્ચે માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ!
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 26 નવેમ્બરે દમણ-દાદરા નગર હવેલીમાં,દાહોદ,પંચમહાલ,અમરેલી,ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે. જુનાગઢ,પોરબંદર,રાજકોટમાં જ્યારે 27 નવેમ્બરના દમણ-દાદરા નગર હવેલી,અમદાવાદ,આણંદ,અરવલ્લી, ગાંધીનગર,ખેડા,મહીસાગર,મહેસાણા, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠાને કારણે પાકને ભારે નુકસાન થશે તેવો ડર ખેડૂતોને લાગી રહ્યો છે.
માવઠાની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા
કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના અનેક ભાગોમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થાય છે કે પછી...!