ઉનાળાની શરૂઆતમાં જ માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કહી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી એક-બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 માર્ચે પણ કમોસમી વરસાદને સહન કરવા તૈયાર રહેવું પડશે.
આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક કરા પડી રહ્યા છે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી એક બે દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 22 માર્ચના રોજ અમદાવાદ સહિત કચ્છ, સાબકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, નર્મદામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો 23 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ભાવનગર સહિત અને વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
આ જગ્યાઓ પર વરસ્યો કમોસમી વરસાદ!
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના બારડોલી અને કડોદરા પંથકમાં વરસાદ પડ્યો હતો. જ્યારે જેતપુરના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું થયું હતું. કચ્છના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંબાજીમાં પણ વરસાદ વરસ્યો હતો તેમજ રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.
ખેડૂતોની હાલત બની રહી છે કફોડી
એક અઠવાડિયાથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં થયેલા પાક નિષ્ફળ જઈ રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે. જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.