શિયાળાની શરૂઆત થતાં જ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. અલગ અલગ સ્થળોથી ખેતરમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. માવઠાને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે જગતના તાતની સ્થિતિ દુખદાયક બની ગઈ છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ થયો હતો જેને કારણે ખેડૂત પાયમાલ બની ગયો છે. આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે તેવી આશા નથી. માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે.
ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ
આ વખતનું ચોમાસુ એકદમ અનિયમિત રહ્યું હતું. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી અતિશય વરસાદ થયો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ચોમાસાની સિઝનમાં તો અનિયમિત્તા દેખાઈ પરંતુ હવે તો પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે શિયાળામાં પણ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. આસમાની આફતને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. એવી માનવામાં આવતું હતું કે વરસાદ નહીં આવે પરંતુ હવામાન વિભાગે ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉપરાંત અનેક ભાગોમાં માવઠું આવવાની શક્યતા છે.
આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, પંચમહાલ, લીમખેડામાં આજે હળવો વરસાદ થઇ શકે છે.ગાજવીજ તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની સંભાવના નથી પરંતુ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસો દરમિયાન વડોદરા અને ભરૂચમાં વરસાદની સંભાવના છે. વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં આજે વરસાદ થઈ શકે છે. આવતીકાલે પંચમહાલ, વડોદરા, ભરૂચમાં માવઠું થઈ શકે છે. મહત્વનું છે કે આગામી સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી વાત મનોરમા મોહંતી દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.