કાળઝાળ ગરમીનો અહેસાસ હાલ રાજ્યના લોકોને થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. પરંતુ આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. અમદાવાદ માટે ફરી એક વખત ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલ બાદ અમદાવાદ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કમોસમી વરસાદ બાદ આગ વરસતી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ!
થોડા સમય પહેલા રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું ત્યારે હવે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઓછી ગરમી લાગતી હતી. પરંતુ હાલ ચામડી બળે તેટલી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાયો હતો. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રી પણ નોંધાયું હતું. સુરત, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે અને ત્યાં ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળશે.
ક્યાં કેટલું નોંધાયું હતું તાપમાન!
શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો પાટણ સૌથી ગરમ નોંધાયું હતું. 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ તેમજ સુરેન્દ્રનગરનું તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું. આણંદનું 43.7 ડિગ્રી, રાજકોટનું 42.8 ડિગ્રી, ગાંધીનગરનું 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદનું તાપમાન 42.7 ડિગ્રી, ભૂજનું તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો ઘટી શકે છે. ગરમીથી આંશિક રાહત મળી શકે છે.