રાજ્યમાં કાતિલ ઠંડીથી ઠુંઠવાતા લોકો માટે માઠા સમાચાર છે. ગાત્રો થીજાવતી ઠંડી બાદ હવે માવઠા માટે પણ તૈયાર રાખો. રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સામાન્ય કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદને આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે.
આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ 28 જાન્યુઆરીએ વાતાવરણમાં પલટો આવી શકે છે અને કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં પવનની ગતી ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.
માવઠાથી જગતનો તાત ચિંતિંત
માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલની સ્થિતિએ કેટલાક પાકોની કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરોમાં ઉભા છે જેને લઈ જો કમોસમી માવઠું આવે તો પાટણ જિલ્લામાં ખેડૂતો એ વાવેલ બે લાખ કરતા વધુ હેકટરમાં વિવિધ રવિ પાકો પર માઠી અસર થઇ શકે છે અને ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાઈ શકે છે જેને લઈ પાટણ જિલ્લાના ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યો છે.
આ ઉભા પાકને થશે નુકસાન
કમોસમી માવઠાની આગાહીએ મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફરી વળે તેવી શક્યતા છે. પાટણ જિલ્લામાં રાયડો, સવા, ઈસબગુલ, જીરું, વરિયાળી, ચણા. ઘઉં સહિત 2 લાખથી વધુ હેકટરમાં રવિ પાકોનું વાવેતર કરેલ છે જેમાં રાયડો અને એરંડાના પાકોની તો કેટલાક વિસ્તારમાં કાપણી થઇ રહી છે તો કેટલાક વિસ્તારોમાં તો ઉભો પાક સાફ થઈ જાય તેવી આશંકા છે. અને જો વાતાવરણ રવિપાકો ઉપરાંત શાકભાજીના વાવેતરને મોટા પાયે નુકશાન થવાની શક્યતા છે.