રાજ્યમાં ફરી એક વખત ભરશિયાળે અષાઢી માહોલ જોવા મળી શકે છે. રાજ્યમાં હાલ ઠંડા પવનોની સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું થઇ રહ્યુ છે. જેના કારણે લોકોને ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે કેટલાક ભાગોમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યુ છે કે, હજી બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે પાંચ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે.
આજે આ જિલ્લામાં માવઠાની શક્યતા
હવામાન વિભાગે આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ સાથે જ આવતીકાલે પણ કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, દક્ષિણ ભારત પર હાલ મિચોંગ વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. મિચોંગ વાવાઝોડાની ગુજરાત પર કોઇ અસરની કોઈ શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાઈ શકે છે અને રાજ્યમાં પવનની ગતિ 15 થી 20કિલોમીટરની રહી શકે છે.
ઠંડીનું જોર વધશે
રાજ્યમાં હાલ પવનની દિશા બદલાઇ રહી છે, કેટલાક પવન બંગાળથી આવી રહ્યાં છે. જ્યારે રાજસ્થાન દક્ષિણ પૂર્વ પર એક હવાનું દબાણ બની રહ્યું છે. જેના કારણે પણ ગુજરાતમા વાદળછાયું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. ઠંડીની વાત કરીએ તો બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડતા આંશિક ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં હાલ તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે. જે આગામી 2 દિવસ બાદ 16 સુધી ગગડવાની શક્યતા છે. આજે નલિયામાં સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જ્યારે અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. જ્યારે આગામી બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચે આવવાની શક્યતા છે.
માછીમારો માટે ચેતવણી
આગામી ત્રણ દિવસ પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે. આશરે 10થી 20 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠે પવનની ગતિ 40થી 50 સુધી જવાની શક્યતા છે. આ સાથે સી પ્રેશરને કારણે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠે પવનની ગતિ 40થી 50 સુધી જવાની શક્યતા છે. આ સાથે સી પ્રેશરને કારણે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે.
જગતના તાતની મૂંઝવણ વધી
ગુજરાતના હવામાનમાં આવેલા ફેરફારની સૌથી વધુ અસર ખેડૂતો પર થઈ રહી છે. માવઠાના કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવાની આશંકા છે. આ જ કારણે જગતના તાતની હાલત સૌથી વધુ કફોડી બની છે. અગાઉ પડેલ કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક વાવેતરને નુકશાન થવા પામ્યું હતું. જે બાદ સરકાર દ્વારા સર્વેનો આદેશ કરાયો હતો. તેમજ એક મહિનામાં સર્વેનો રિપોર્ટ સોંપવા કૃષિમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ અધિકારીઓને આદેશ કરાયો હતો. તો બીજી તરફ હવે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. હવે ફરી વરસાદ પડે તો શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.