જેમ જેમ શિયાળાની સિઝન આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. એક સમય હતો જ્યારે ગરમીથી લોકો પરેશાન થતા હતા ત્યારે હવે બપોરનો તડકો લોકોને ગમી રહ્યો છે. અમદાવાદમાં તો હજી થોડી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ખાલી થોડો ગગડ્યો છે પરંતુ નલિયા ગુજરાતનો ઠંડોગાર પ્રદેશ બન્યો છે.
દરેક સિઝનમાં આવ્યો છે વરસાદ!
ગુજરાતીઓ ગરમી સહન કરવા ટેવાયેલા હોય છે તેવી વાત કરીએ તો અતિશયોક્તિ ન કહેવાય, ઠંડીનો માર સહન કરવા લોકો હજી નથી ટેવાયેલા! ઉનાળાની સિઝનમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાય છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવામાન પર પડી રહી છે. વાતાવરણમાં ફેરફાર આવ્યા છે. શિયાળામાં અને ઉનાળામાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારે જોઈએ એટલો વરસાદ ન થયો પરંતુ તે બાદ એટલો બધો વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ત્યારે શિયાળામાં પણ માવઠાથી રાહત નથી મળી. શિયાળાની સિઝન જામે તે પહેલા જ કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતના અનેક શહેરો એવા છે જ્યાંનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. નલિયાનું તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29.9 જ્યારે લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં મહત્તમ તાપમાન 29.6 જ્યારે લઘુતમ તાપમાન 13.8, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 29.6 જ્યારે લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. વડોદરાનું મહત્તમ તાપમાન 31.8 જ્યારે લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું. વલસાડનું મહત્તમ તાપમાન 34.2 જ્યારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 18.0 ડિગ્રી નોંધાયું છે.
માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
મહત્વનું છે કે ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબ સાગરની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર ગુજરાતના તાપમાન પર પડી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈ આગાહી કરી છે. 14 ડિસેમ્બર બાદ અનેક વિસ્તારોમાં માવઠું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.