રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રસ્તા પર અવર જવર કરતા લોકો માટે તે ત્રાસ બની જતા હોય છે. ત્યારે વધતા રખડતા ઢોરને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે શહેરમાં રખડતા ઢોરોના આતંકને શાંત કરવા હાઈકોર્ટે તંત્રને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી તેમાં ઢોર પકડવા માટે શું કામગીરી કરવામાં આવી તે અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે હાઈકોર્ટમાં તંત્ર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રએ 11 મહિનામાં 17 હજાર રખડતાં ઢોર પકડ્યા છે ઉપરાંત અનેક ઢોરમાલિકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવી છે.
હાઈકોર્ટમાં રજૂ કરાયું સોગંદનામું!
એક તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન છે તો બીજી તરફ રસ્તા પર ફરતા રખડતાં ઢોરને લઈ લોકોની પરેશાની વધી છે. અનેક લોકો રખડતાં ઢોરની અડફેટે આવી જતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને જ્યારે અનેક લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે હાઈકોર્ટના હુકમોનું પાલન નથી થતું તેવી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. રખડતાં ઢોરનો ત્રાસ તેમજ બિસ્માર રસ્તાના સુધારા અંગે કામ કરવામાં આવ્યું નથી. ત્યારે હાઈકોર્ટમાં એએમસીના સીએનસીડી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.
11 મહિનામાં પકડાયા આટલા રખડતાં પશુ!
જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું તેમાં ખુલાસો થયો છે કે છેલ્લા 11 મહિનામાં 17,049 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે, જેમાં 980 જેટલી FIR ઢોરમાલિકો સામે નોંધવામાં આવી છે. જાહેરમાં રોડ પર કે ખુલ્લામાં ઘાસ વેચતા 66થી વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 34,861 કિલો ઘાસનો જથ્થો પણ જપ્ત કરાયો છે. 32,541 ઢોરોના ટેગીંગ કરવામાં આવ્યા છે. મહત્વનું છે રખડતા શ્વાનનો આતંક પણ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક એવા લોકો છે જે રખડતા શ્વાનના આતંકનો ભોગ બન્યા છે. ત્યારે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવે તે જરૂરી બન્યું છે.