મથુરામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ છે. રેલવે પાટા પર ચાલતી ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ. શકૂરબસ્તી-નવી દિલ્હી-મથુરા શટલ ઈએમયૂ ટ્રેન પ્લેટફોર્મ-બે પર ચઢી ગઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ આવી પહોંચી ત્યારે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા પેસેન્જરો ભાગવા લાગ્યા. આ ઘટનામાં પેસેન્જરો તો બચી ગયા પરંતુ અનેક પેસેન્જરોનો સામાન ટ્રેન નીચે આવી ગયો હતો. એવી પણ માહિતી સામે આવી હતી કે ટ્રેનમાં બેઠેલા મુસાફરો ઉતરી પણ ગયા હતા.
પ્લેટફોર્મ પર ઉભી રહેવાની જગ્યાએ પ્લેટફોર્મ પર ચઢી ટ્રેન
ઘટના કેવી રીતે સર્જાઈ તેની વાત કરીએ તો મંગળવાર રાત્રે 10.55 વાગ્યાની આસપાસ લોકો પાયલટ ટ્રેનનું એન્જિન બંધ કરી ટ્રેનને બંધ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર એન્જીન બંધ થવાને બદલે જલ્દીથી ભાગવા લાગી. ટ્રેનને પ્લેટફોર્મ પર આવતી જોઈ મુસાફરો ભાગવા લાગ્યા. મુસાફરો તો બચી ગયા પરંતુ તેમનો સામાન દબાઈ ગયો.
વીજળી પોલ સાથે અથડાતા ટળી મોટી દુર્ઘટના
આ ઘટનામાં સારી વાત એ હતી કે આ દુર્ઘટના સર્જાઈ તેની થોડી જ દૂર વિજળીનો પોલ હતો. ટ્રેન એની સાથે ભટકાઈ અને રોકાઈ ગઈ. જો વીજળી પોલ ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. મોટી દુર્ઘટના ન સર્જાઈ તેને લઈ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટના કયા કારણોસર બની તેને જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઓડિશામાં થોડા મહિના પહેલા એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ત્રણ ટ્રેન આસપાસમાં ભટકાઈ હતી. એ રેલવે દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.