એક તરફ અયોધ્યામાં રામ મંદિરને લઈ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે તો બીજી તરફ દેશની સર્વોચ્ચ ન્યાયાલયે હિંદુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે મથુરા કૃષ્ણ જન્મભૂમિ મામલે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે જેમાં કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને સવાલ પૂછ્યો કે જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો, તો પછી હાઈકોર્ટે કેસને પોતાની પાસે કેવી રીતે ટ્રાન્સફર કર્યો?
હાઈકોર્ટના આ આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે
મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 14 ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ સંકુલના સર્વેની મંજૂરી આપી હતી. કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો જેને લઈ મુસ્લિમ પક્ષ દ્વારા આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સરવે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે. આ નિર્ણયને કારણે હિંદુ પક્ષને મોટો ઝટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દુ પક્ષની દલીલો પર પણ સવાલ ઉઠાવ્યા છે. હિંદુ પક્ષને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે. તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે, તમને શું જોઈએ છે. આ અંગેની સુનાવણી 23 જાન્યુઆરીએ થશે.