નવરાત્રીના દિવસો દરમિયાન માતા દુર્ગાના અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીને માતા દુર્ગાનું નવમું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રીના નવમાં અને અંતિમ દિવસે જગત માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. માતાજી કમળ પર બિરાજમાન થયા છે. તેમની ચાર ભુજાઓએ છે. એક હાથમાં માતાજીએ ગદા ધારણ કરી છે. એક હાથમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં શંખ છે અને એક હાથમાં ચક્ર ધારણ કર્યું છે.
માતાજીની ઉપાસના કરવાથી કયા ફળની થાય છે પ્રાપ્તિ
માતા પાર્વતીને જ સિદ્ધિદાત્રી માનવામાં આવે છે. એમની પૂજા કરવાથી ભક્તોના તમામ કષ્ટ, રોગ અને ભયનો નાશ થાય છે. માતા સિદ્ધિ અને મોક્ષ આપનારી છે. દેવી ભાગવત અનુસાર માતા લક્ષ્મીની જેમ સિદ્ધિદાત્રી માતા કમળ પર બિરાજમાન છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા સિદ્ધિદાત્રી તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. સિદ્ધિદાત્રીની પાસે 8 સિદ્ધિઓ રહેલી છે. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ રહેલી છે. માતાજીની ઉપાસના કરવાથી સાધકને તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એક માન્યતા અનુસાર આદિશક્તિ કોઈ રૂપ ધરાવતા ન હતા. જેથી મહાદેવના અડઘા અંગથી માતાજી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગટ થયા હતા. જેથી જ ભગવાન શંકર અર્ધનારીશ્વર સ્વરૂપે દર્શાવ્યા હતા
માતા સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવાનો મંત્ર -
सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी
નવરાત્રી દરમિયાન મંત્ર જાપનો વિશેષ મહિમા રહેલો હયો છે. આ મંત્રનો જાપ કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. અનેક ભક્તો નવરાત્રીના નવમા દિવસે કન્યાપૂજન પણ કરે છે. નવમા દિવસે પ્રસાદના રૂપમાં માતાજીને તલ અર્પણ કરવામાં આવે છે. માતાજીને તલ અર્પણ કરવાથી મૃત્યુના ડરથી ભક્તને રાહત મળે છે.