માતા કુષ્માંડા માતા દુર્ગાનું ચોથું સ્વરુપ છે. શાસ્ત્રો પ્રમાણે માતા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે. વાઘ મા કુષ્માંડાનું વાહન છે. માતા કુષ્માંડાને આઠ ભૂજાઓ છે, જેમાં વિવિધ અસ્ત્ર શસ્ત્ર માતાજીએ ધારણ કર્યા છે. માએ કમંડળ, ધનુષ, બાણ, કમળ, માળા, ગદા, ચક્ર અને અમૃત કળશ ધારણ કર્યો છે. જ્યારે સમસ્ત જગ્યા પર અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના ઉદરથી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી હતી. મા કુષ્માંડાની ઉપાસના કરવાથી બધી મુશ્કેલીઓનો અંત આવે છે.
કયા મંત્રનું ઉચ્ચારણ કરવાથી મા થશે પ્રસન્ન -
નવરાત્રી દરમિયાન કરેલા પાઠોનું વિશેષ ફળ મળતું હોય છે. દિવસ પ્રમાણે માતાજીના મંત્રનો જાપ કરવાથી મા પ્રસન્ન થઈ જાય છે. માતા કુષ્માંડાને પ્રસન્ન કરવાનો મંત્ર -
सुरासम्पूर्ण कलशं रुधिराप्लुतमेव च।
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥
અર્થાત - જે માતાએ પોતાના હાથોમાં અમૃત કળશ ધારણ કરેલો છે તે માતાને અમે નમન કરીયે છીએ. આ મંત્રનો જાપ કરવાથી માતાજી સાધકને તમામ ભયમાંથી મુક્તિ આપે છે અને મનોવાંચ્છિત ફળ આપે છે. તેમજ જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો અંત માતાજીની ઉપાસના કરવાથી આવે છે.
કયો નૈવેદ્ય કરવો અર્પણ
માતાજીને પ્રિય એવી નવરાત્રી દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા અલગ-અલગ દિવસે વિવિધ ભોગ માતાને અર્પણ કરવામાં આવે છે. જેથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. ત્યારે નવરાત્રીના ચોથા દિવસે માલપુઆનો ભોગ લગાવવામાં આવે છે. માતા કુષ્માંડાને લાલ કલર વધારે પ્રિય છે. માતાજીને લાલ ચૂંદડી, લાલ સાડી. લાલ બિંદી તેમજ લાલ બંગળી અર્પણ કરવાથી મા પ્રસન્ન થાય છે.