રાજ્યમાં જ્યારે પણ આગની ઘટનાઓ બને ત્યારે સવાલ થાય કે આગ લાગી એ ફેક્ટરી કે જગ્યા કાયદેસર હતી. એની પાસે ડોક્યુમેન્ટ હતા કે કેમ પણ સવાલો પછી જવાબો મળતા નથી. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી અને અનેક લોકો એ આગમાં ભડથુ થઈ ગયા. ફરી એકવાર બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.
બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક ધડાકો થયો અને ભીષણ આગ ફાટી નીકળી. આ ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તો આગ પર કાબુ મેળવી લેવાયો છે. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. ત્યારે અત્યાર સુધી 18 મૃતદેહો કાટમાળમાંથી મળી આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે આગની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો મધ્યપ્રદેશના રહેવાસી છે. મજુરી કામ માટે ગુજરાત આવ્યા હતા. ફટકડા બનાવવાનું કામ કરતા હતા એમને ક્યાં ખબર હતી કે અહીંયા જિંદગી આસાન કરવા નહીં પણ જિંદગીને હોમવા આવી રહ્યાં છે. ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો અને મૃત્યુ થયું. હાલ તો મૃતકોની ઓળખ કાર્યવાહી ચાલી રહી છે.
જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ફટકડા બનાવવાની કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયો અને બાજુમાં આવેલુ ગોડાઉન ધરાશાયી થઈ ગયું. ગોડાઉન ધરાશાયી થતા 200 મીટર દુર સુધી કાટમાળ ફેલાયેલો હતો. અને મજુરોના માનવ અંગો પણ દુર સુધી ફેંકાયા હતા.
દીપક ટ્રેડર્સ નામની જે કંપનીમાં આ દુર્ઘટના બની તે કંપની ખુબચંદ સિંધી નામના વ્યક્તિની છે. જે ફટાકડાનો હોલસેલનો વેપારી છે. અત્યાર સુધી એ પોતે તમિલનાડુના શિવકાશીની ફટાકડાની ફેક્ટરીઓમાંથી ફટાકડા લાવતો હતો અને અહીંયા વેચાણ કરતો હતો. હવે પોતે ડીસામાં ફટાકડા બનાવવાનું શરુ કર્યું. અને કંપનીના માલિકે માત્ર ફટાકડા વેંચવાની મંજૂરી જ મેળવી હતી. તેની પાસે ફેક્ટરીમાં ફટાકડા બનાવવાની મંજૂરી હતી જ નહીં. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી પ્રશાસન હાલ તો તપાસ કરી રહ્યું છે.