રાજકોટના યુનિવર્સિટી રોડ પરના મિલાપનગરમાં રહેતા પરિવારે વ્યાજખોરોથી ત્રાસીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ-પત્ની અને પુત્રના સામુહિક આપઘાતમાં પુત્રનું મોત થયું હતું અને પતિ-પત્ની બચી ગયા હતા.
મૃતક પુત્ર ધવલે ગઈકાલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, મહેબૂબશા અને ધવલ પપ્પુ નામના ચાર વ્યાજખોર તેમની ઝેરોક્ષની દુકાને હપ્તો ઉઘરાવવા આવ્યા હતા. મૃતકના પરિવાર પાસે રૂપિયા ના હોવાના કારણે તેમણે મૃતક ધવલના પિતાને ધમકી આપી હતી કે તારા પુત્રને ઉઠાવી જશું. ફરિયાદમાં ધવલે લખાવ્યું હતું કે તેના પરિવારે સંજયરાજ ઝાલા પાસેથી 10 લાખ, રાજકોટમાં સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી 50 હજાર, ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી 8 લાખ અને ધવલ મુંધવા પાસેથી પણ અમુક રકમ વ્યાજે લીધી હતી. વ્યાજખોરો ધવલના પરિવાર પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે અને હેરાન કરે છે તેવી તેણે ફરિયાદ નોંધાવી હતી.
પાણીમાં જંતુનાશક દવા નાખીને પરિવારનો સામુહિક આપઘાત
ત્યાર બાદ વ્યાજખોરોના ત્રાસથી ધવલના પપ્પા ભાઈ પાસેથી ઉછીના 500 રૂપિયા લઈ જંતુનાશક દવા લઈ આવ્યા હતા. મોડી રાત્રે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને જંતુનાશક દવા પાણીમાં નાખીને પી ગયા હતા. સમગ્ર ઘટનામાં ધવલનું મોત થયું હતું જ્યારે તેમના માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આરોપી ધવલ પપ્પુ ભરવાડની ધરપકડ કરી હતી જો કે હજુ પણ બાકીના આરોપી પોલીસ પકડથી દૂર છે.