રાજ્યમાંથી ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જેને લઈ અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. અનેક વખત યુનિવર્સિટીઓથી એવા સમાચારો સામે આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ મળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ગાંજાનો છોડ બોયઝ હોસ્ટેલની બાજુમાંથી મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તપાસની શરૂઆત કરી હતી. ત્રણ સ્થળેથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.
યુનિવર્સિટી કેમ્પસમાં મળી આવ્યા ગાંજાના છોડ!
અનેક વખત રાજ્યમાંથી માદક પદાર્થો મળી આવતા હોય છે. માદક પદાર્થ મળી આવતા પોલીસ એક્શનમાં આવી જતી હોય છે. આ વખતે માદક પદાર્થનો છોડ શૈક્ષણિક સંસ્થામાં મળી આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર થતું હોય તેવી વાતો વહેતી થઈ છે. આવા સમાચાર વહેતા થતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી!
મળતી માહિતી અનુસાર કેમ્પસમાં આવેલા કેટલાક છોડ મૂળમાંથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત કેમ્પસને અડીને આવેલા અન્યની માલિકીના ખેતરમાં આગ લાગેલી મળી હતી.જેને લઈ અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. ત્યારે શું યુનિવર્સિટીમાં સાચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા માટે છોડને જળમૂળથી નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલો મોકલી આપવામાં આવ્યા છે. આ વાતની જાણ થતાં કુવાડવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારી દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે હકીકત શું છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.