ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ટિકિટ માટે અનેક સમાજના લોકો મેદાનમાં આવી રહ્યા છે. એક બાદ એક સમાજોની બેઠક યોજાઈ રહી છે. જુદા જુદા સમાજો ટિકિટની માગણી કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં જૈન સમાજ પણ ટિકિટની માગ કરતા નજરે પડ્યું હતું. જા અગાઉ અરવલ્લીમાં કરણી સેનાએ પણ ટિકિટની માગ કરી હતી.
જૈન સમાજે કરી ટિકિટની માગ
પોતાના સમાજનો દબદબો રહે તે માટે અનેક સમાજ ચૂંટણીમાં ટિકિટની માગ કરતા હોય છે. પાટીદાર સમાજ, કોળી સમાજ અને માલધારી સમાજ ટિકિટની માગ કરતા નજરે પડ્યા હતા ત્યારે હવે જૈન સમાજ પણ ટિકિટની માગને લઈ મેદાનમાં ઉતર્યા છે. જામનગર ખાતે જૈન સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં જૈન સમાજના અગ્રણી તેમજ મેયર બીનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોળી સમાજ અને પટેલ સમાજે પણ કરી છે ટિકિટની માગ
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા એક બાદ એક સમાજ મહાસંમેલનનું આયોજન કરી રહી છે. મહાસંમેલન કરી સરકારને ઘેરવા પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ટિકિટની માગ પણ કરવામાં આવે છે. ત્યારે જામનગર ખાતે જૈન સમાજની બેઠક યોજાઈ હતી જેમાં જામનગરની વિધાનસભાની ટિકિટમાં જૈન સમાજને સ્થાન મળે તેવી વાત કરવામાં આવી હતી. ઉપરાંત થોડા દિવસો પહેલા જ કરણી સેનાએ મહાસંમેલન કર્યું હતું. રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે 55થી 60 ટિકિટોની માગ કરી હતી. ઉપરાંત પાટીદાર સમાજને 50 જેટલી ટિકિટ આપવામાં આવે ઉપરાંત કોળી સમાજને 72 ટિકિટની ફાળવણી કરવાની માગ કરી હતી. અનેક સમાજ ટિકિટની માગણી કરી રહ્યા છે જેને કારણે રાજકીય પાર્ટીઓનું ગણિત ખોઈ શકે છે.