ગઈકાલે રાજસ્થાનમાં એક રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં પુલ પર બનેલી રેલિંગને તોડી બસ રેલવે ટ્રેક પર આવી ગઈ હતી. સદનસીબે ટ્રેક પર જ્યારે બસ પડી ત્યારે કોઈ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં ચાર જેટલા લોકોના મોત થયા હતા ત્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે આવી દુર્ઘટના ગુજરાતમાં પણ સર્જાઈ શકે છે કારણ કે અનેક પુલ એવા છે જે રેલવે ટ્રેક પર બનાવવામાં આવ્યા હોય અથવા તો નદી પર બનાવવામાં આવ્યા હોય. અનેક બ્રિજની દશા એવી ખરાબ છે કે ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે.
અનેક બ્રિજો-પુલો એવા છે જ્યાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે!
ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે જેમાં લોકોના મોત થયા છે. એવી ઘટનાઓ બની છે જેમાં લોકોને પોતાની જીંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો હોય. મોરબી દુર્ઘટના સર્જાઈ હતી તે બાદ સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા. જર્જરિત બિલ્ડિંગો, પુલ સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું, લોકો ભૂલી ગયા એ ઘટનાને અને સરકાર પણ ભૂલી ગઈ એ વખતે જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને! અનેક કાર્યરત બ્રિજો એવા છે જેની દશા જોઈને આપણને દયા આવે! એવી જર્જરિત હાલતમાં બ્રિજો જોવા મળે છે કે ગમે ત્યારે તેની સાથે દુર્ઘટના સર્જાઈ શકે છે અને લોકોના જીવ જઈ શકે છે.
એક પુલનો વીડિયો અર્જુન મોઢવાડિયાએ શેર કર્યો અને પૂછ્યો પ્રશ્ન
ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ એક જર્જરિત પુલનો વીડિયો શેર કર્યો છે અને ભાજપની સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે શું પુલ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ભાજપ સરકાર? અમરેલી-રાજકોટ હાઈવે પર નાના માચિયાલા ગાવ પાસે ઠેબી નદી પર બનેલા પુલની હાલત અત્યંત ખરાબ છે. ગમે ત્યારે આ બ્રિજ સાથે દુર્ઘટના સર્જાઈ શકે તેવી હાલતમાં પુલ છે. નવો પુલ બનાવવામાં આવે તેવી માગ અનેક વખત કરવામાં આવી પરંતુ સરકાર અને પ્રશાસન દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે! જાન-માલના નુકસાનની તેમને કોઈ પરવાહ નથી! કોઈ મોટી દુર્ઘટના બને તેની પહેલા સરકાર આંખો ખોલે અને નવો પુલ બનાવે.
દુર્ઘટનામાંથી બોધપાઠ તો લઈએ છીએ પરંતુ થોડા સમય બાદ તેને ભૂલી જઈએ છીએ!
મહત્વનું છે કે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ તંત્ર એકદમ એક્ટિવ મોડમાં દેખાય છે. એ વખતે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને એક્શન લેવામાં આવે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ લોકો અને પ્રશાસન દુર્ઘટનાને ભૂલી જાય છે. દુર્ઘટનામાંથી થોડા સમય માટે બોધપાઠ લેવામાં આવે છે પરંતુ તે લાંબો સમય નથી ટકતું. મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવતી હોય તેવું અનેક વખત લોકોને લાગતું હોય છે.!