લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકારણીઓમાં આરોપ-પ્રત્યારોપ દોર શરૂ થઈ ગયો છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા સીટ માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારથી વર્તમાન સાંસદ મનસુખ વસાવા આક્રમક બન્યા છે. સાંસદ મનસુખ વસાવાએ આપના નેતા ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવાને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા.
શું કહ્યું મનસુખ વસાવાએ?
સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે ચૈતર વસાવા મૂર્ખ છે, આ સાથે જ મનસુખ વસાવા એ ચેલેન્જ કરી કે કેજરીવાલ કે ઇસુદાન ગઢવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે વારાણસી થી ચૂંટણી લડી બતાવે. સાંસદે વધુમાં કહ્યું કે ચૈતર વસાવા બોગસ નિવેદન કરે છે એ નવો નિશાળીયો છે સાથે, ચૈતર વસાવા ને દુઃખે છે પેટ અને ફૂટે છે માથું. કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે. ગઠબંધનમાં બાળક જન્મે તે પેહલા નામકરણ કર્યું તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. અમારે ગઠબંધન સાથે કોઈ લેવા દેવા નથી એમણે જે કરવું હોય તે કરે અમેં તો અમારું ઘર સાંભળવા માટેની તૈયારી હાથ ધરી દીધી છે. આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડિપોઝીટ ગુમાવશે. ભરૂચ લોકસભાની હજુ ચૂંટણી જાહેર નથી થઇ તે પહેલાછી રાજકારણ ગરમાયું છે.
ચૈતર વસાવાનો BJPને ખુલ્લો પડકાર
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી છૂટ્યા બાદ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે. તેમણે તાજેતરમાં જ એક નિવેદન કર્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી પણ લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે. ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે ભરુચ લોકસભામાં કોઈની તાકાત નથી કે ચૈતર વસાવાને જીતતા રોકી શકે.