મનીષ સિસોદીયાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દારૂ કૌભાંડ મામલે જેલની સજા ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી મામલે કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જામીન માટે મનીષ સિસોદિયા તરફથી કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જામીન અરજી ફગાવવાને કારણે દિવાળી હવે મનીષ સિસોદિયાને જેલમાં ભોગવી પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આ કેસમાં 338 કરોડ રુપિયાની લેવડદેવડને લઈ એવા અનેક એવી વસ્તુઓ છે જે શંકાસ્પદ છે. આ કારણોસર મનીષ સિસોદિયાની જામીન અરજીને ફગાવામાં આવે છે.
જામીન અરજી અંગે સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ચુકાદો
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. દારૂ કૌભાંડ મામલે મનીષ સિસોદિયા જેલવાસ ભોગવી રહ્યા છે. જામીન અરજી માટે તેમણે અનેક વખત અરજી કરી પરંતુ તેમની જામીન અરજીને ફગાવી દેવામાં આવે છે! સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજીને ફગાવી દીધી છે. કોર્ટમાં આ મામલે સુનાવણી 17 ઓક્ટોબરે હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે આ નિર્ણયને સુરક્ષિત કરી લીધો હતો અને આજે તેનો ચુકાદો આપ્યો છે.
26 ફેબ્રુઆરીએ કરાઈ હતી મનીષ સિસોદિયાની ધરપકડ!
મનીષ સિસોદિયા ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. છેલ્લા 8 મહિનાથી મનીષ સિસોદિયા જેલમાં બંધ છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ તેમની લાંબી પૂછપરછ કરી હતી. તેમની ધરપકડ દિલ્હીમાં નવી આબકારી નીતિના અમલમાં કથિત કૌભાંડ અંગે કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. બાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ED આ કેસમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ
મનીષ સિસોદિયાએ બે અલગ-અલગ કેસોમાં જામીન માંગ્યા છે. જેમાંથી એક કેસ CBIમાં ચાલી રહ્યો છે અને બીજો કેસ EDએ દાખલ કર્યો છે. મનીષ સિસોદિયાને ભલે જામીન નથી મળ્યા પરંતુ કોર્ટે એ વાતનો આદેશ આપ્યો છે કે, સિસોદિયા સામેના કેસને 6થી 8 મહિનામાં પૂર્ણ કરી દેવો જોઈએ. જો કેસની પ્રક્રિયા ધીમી રહેશે તો, સિસોદિયા 3 મહિનામાં ફરીથી જામીન અરજી કરવા માટે હકદાર ગણાશે. ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે?