AAP નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને હવે હોળી તિહાર જેલમાં જ મનાવવી પડશે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 20 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. સોમવારે CBIના રિમાન્ડ પૂરા થયા બાદ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સુનાવણી બાદ સિસોદિયોને પોલીસ સુરક્ષા હેઠળ તિહાર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને ગીતા, ડાયરી અને પેન રાખવાની છૂટ આપવામાં આવી છે. મેડિકલ રિપોર્ટના આધારે દવાઓ રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
જામીન અંગે 10 માર્ચે સુનાવણી
કોર્ટે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો. સિસોદિયાને હવે માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ રજુ કરવામાં આવશે. રાઉઝ એવન્યુ કોર્ટે 4 માર્ચે, મનીષ સિસોદિયાના CBI રિમાન્ડને વધુ બે દિવસ લંબાવ્યા હતા. જોકે CBIએ કોર્ટમાં મનીષ સિસોદિયાને વધુ ત્રણ દિવસના રિમાન્ડ આપવાની માંગ કરી હતી. સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર કોર્ટે CBIને નોટિસ પણ જારી કરી છે. સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી 10 માર્ચે થશે.
લિકર પોલિસી કેસમાં કાર્યવાહી
અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા એક સપ્તાહથી CBI કસ્ટડીમાં છે. ધરપકડ બાદ સિસોદિયાને પાંચ દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કેન્દ્રીય એજન્સીને તેના વધુ બે દિવસના રિમાન્ડ પર મોકલ્યા બાદ શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.