મણિપુરમાં થોડા મહિનાઓ પહેલા ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે મૈતેઈ સમુદાયના લોકોએ એવી માગ કરી કે તેમનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવે. આ માગને લઈ વિવાદ વધ્યો. મેતૈઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસાનો માહોલ વ્યાપી ઉઠ્યો. આખો ઘટનાક્રમ શું હતો તે સૌ જાણે છે. સ્થિતિ ઘણા સમય સુધી સામાન્ય ન થઈ હતી. મણિપુરમાં હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે જ્યારે બે વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા ત્યારે. જેને કારણે મણિપુરમાં ફરી એક વખત ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
બે ઘટનાઓને કારણે ફરી ભડકી હિંસા!
થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં બે સ્ટુડન્ટની હત્યા થઈ હતી. ફરી એક વખત મણિપુરમાં હિંસા ભડકી ઉઠી છે. બે વિદ્યાર્થીઓની હત્યાની તપાસ કરવા સીબીઆઈ આજે મણિપુર જવાની છે. આ બધા વચ્ચે મણિપુરના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કામ કરી રહી છે. દોષીઓને છોડવામાં નહીં આવે અને આરોપીઓને તરત પકડી લેવામાં આવશે. મણિપુરમાં ભડકેલી હિંસા પાછળ બે ઘટનાઓ જવાબદાર છે. એક ઘટના 23 સપ્ટેમ્બરની છે અને બીજી ઘટના 26 સપ્ટેમ્બરની છે.
સોશિયલ મીડિયા પર ફરતા થયા વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટા
23 સપ્ટેમ્બરની ઘટનાની વાત કરીએ તો ઈન્ટનેટ સેવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. પ્રતિબંધ હટતા જ બે સ્ટુડન્ટના મૃતદેહનો ફોટો વાયરલ થયો હતો. જે ફોટો સામે આવ્યો હતો તેમાં બંને વિદ્યાર્થીઓ જમીન પર પડેલા દેખાતા હતા. મહત્વનું છે કે આ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ હજી સુધી નથી મળ્યા. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે તેઓ એક સીસીટીવી કેમેરાના ફુટેજમાં દેખાયા હતા જે જુલાઈ મહિનાના હતા. પરંતુ તે બાદ તે ક્યાં ગયા, તેમની સાથે શું થયું તે જાણી શકાયું નથી.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો થયા હતા ઈજાગ્રસ્ત
બીજી ઘટના 26 સપ્ટેમ્બરના દિવસે બની જ્યારે વિદ્યાર્થીઓ અને સુરક્ષા બળો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં અંદાજીત એક શિક્ષક તેમજ અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બે વિદ્યાર્થીઓના મોતનો વિરોધ કરવા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ઘર્ષણ થયા બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પછી ઈન્ટરનેટ સેવા પર ફરી એક વખત રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. 1 ઓક્ટોબર સુધી આ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે હવે સીબીઆઈ તપાસ કરવાનું છે તેવી જાણકારી સામે આવી છે. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે અને આરોપીઓને છોડવામાં નહીં આવે.
વિપક્ષી પાર્ટીઓએ પીએમ મોદીના મૌન પર ઉઠાવ્યા હતા સવાલ
મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસા કાંઈ આજની વાત નથી. ઘણા લાંબાથી મણિપુર ભડકી રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસાને શાંત કરવા માટે પીએમને અનેક લોકોએ રજૂઆત કરી. મેરી કોમએ પણ પીએમ મોદીને અપીલ કરી હતી કે મણિપુરમાં થઈ રહેલી હિંસા પર કાબુ લાવવા અપીલ કરી હતી. તે સિવાય પણ અનેક લોકોએ, રાજકીય પાર્ટીઓએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને અપીલ કરી હતી. સંસદમાં પણ મણિપુરનો મુદ્દો ઉઠતો હતો ત્યારે હંગામો થતો હતો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. વિપક્ષી પાર્ટીઓએ એક સવાલ પૂછ્યો હતો કે મણિપુર સ્થિતિ પર પીએમ મોદી મૌન કેમ છે.