કેસર કેરીના શોખિનો માટે સારા સમાચાર આવ્યા છે, સૌરાષ્ટ્રની જગવિખ્યાત કેસર કેરીનો સ્વાદ હવે સામાન્ય માણસ પણ માણી શકશે. સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડમાં કેરીની ધૂમ આવક શરુ થઇ છે. કેરીની મહારાણી ગણાતી કેસર કેરીથી જુનાગઢ યાર્ડ ઉભરાઈ ગયું છે. માર્કેટ યાર્ડમાં દરરોજ 15થી 20 હજાર બોક્સ ઉતરી રહ્યા છે. હરાજીમાં 10 કિલોના 350થી લઇને 500 રૂપિયા સુધીની કેરીની હરાજી થાય છે.
કેરીના મબલખ ઉત્પાદનના કારણે ભાવ ગગડ્યા
સૌરાષ્ટ્રમાં પાછોતરી કેરી એક સાથે આવી છે અને મબલક કેરી માર્કેટ યાર્ડમાં આવી રહી છે, જેને કારણે ભાવ ગગડ્યા છે. કેરીના બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારોનું કહેવું છે કે, અમને હતું કે ભાવ વધે તો અમને ફાયદો થાય એટલે કેરી ઓછી લાવતા હતા પણ હવે કેરી ચારે તરફથી આવતા કેરીની આવક વધી છે. કેરીના વેપારીઓનું કહેવું છે કે કેરીની ધૂમ આવક છે એટલે ભાવ નીચા ગયા છે. જેને લઇ અમારે પણ કેરી સસ્તી વેચવી પડે છે.
કમોસમી વરસાદને કેરીના ઉત્પાદનને ફટકો
ચાલુ વર્ષે હવામાનમાં વારંવાર પલટો આવતાની સાથે કેરીના પાક પર ગંભીર અસર થઇ હતી.ખાસ તો ભારે પવન, કમોસમી વરસાદને કારણે વર્ષમાં એક વાર આવતા કેરીના પાક પર વિપરીત અસર થઇ હતી. શરૂઆતમાં કેરીની આવક ઓછી થઇ હતી અને ભાવ 1200ને પાર કરી ગયો હતો. પણ વાતાવરણને લઇ કેરી ખરી પડી અને ખાસ તો કેરી બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારો મુશ્કેલીમાં મૂકી ગયા હતા. કેરીના પાક પર ગંભીર અસર થતા ખેડૂતો, ઇજારદારો અને વેપારીને પણ નુકશાન થયું હતું.