ઉનાળામાં કેસર કેરીની કાગડોળે રાહ જોતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. ગીરની શાન મનાતી કેસર કેરીનું આગમન જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે થઇ ચુક્યું છે. તાલાલા પંથકની કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. જેની જાહેર હરાજી યોજવામાં આવી હતી. આજે માર્કેટિંગ યાર્ડ ખાતે 10 કિલોના ભાવ 2000થી 3000 રૂપિયા બોલાયા હતા.
કેરીના ભાવમાં ઘટાડો થશે
કેસર કેરીની આવકની સરખામણીએ બજાર ભાવ સ્થિર જોવા મળે છે. જો કે આ વર્ષે તાલાલા પંથકમાં આંબા પર સારા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હોઈ, કેસર કેરીનું ઉત્પાદન પણ વધવાની આશા છે. વેપારીઓના મતે આગામી 15 દિવસમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. માર્કેટ યાર્ડમાં જેમ-જેમ કેરીની આવક ધીમે ધીમે વધવાની શરૂઆત થશે તેમ તેમ બજાર ભાવોમાં પણ ચોક્કસ ઘટાડો જોવા મળશે.
ઓર્ગેનિક કેરીની માગ વધી
રાજ્યમાં હવે લોકો આરોગ્ય પ્રત્યે સતર્ક થયા હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓર્ગેનિક કેરીની માગમાં પણ વધારો થયો છે. તાલાલા સહિત ગીરમાં અને એની આસપાસ આવેલા આંબાવાડિયામાં ઓર્ગેનિક કેરીનો પાક લેવાનું પ્રમાણ પણ વધ્યું છે.