સુરત જિલ્લાના માંગરોળથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના માંગરોળ GIDCમાં આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર થતા 4 કામદારોના મોત થયા છે. માંગરોળમાં આવેલા બોરસરા ગામે ફેક્ટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે કેમિકલ ભરેલુ ડ્રમ ખોલ્યું હતુ, જેમાં આ ચારેય કામદારોનો શ્વાસ રૂંધાઈ જતા મોત થયા હતા. ઘટનાના સમાચાર આવતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો. આ બનાવને લઈને 4 મૃતક લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કીમની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતાની સાથે જ માંગરોળ મામલતદાર અને GPCBની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
કંપનીના માલિકની ધરપકડ
આ સમગ્ર ઘટના અંગે માંગરોળના મામલતદાર પાર્થ જયસવાલે જણાવ્યું કે, મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનું મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલ પાસે પાંચેક જણાએ ડ્રમનું ઢાંકણું ખોલતા ગેસનું ગળતર થયું હતું. જેમાં 5 લોકો બેભાન થયા હતા. જેથી તેઓને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે પૈકી 4ના મોત થયા છે. મૃત્યુ પામેલા કામદારોમાં 45 વર્ષીય ઈમતિયાઝ અબ્દુલ શેખ, 22 વર્ષીય અમિન પટેલ, 22 વર્ષીય અરુણ અને 54 વર્ષીય રઘાજીનો સમાવેશ થાય છે. ચારેયના મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.