અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર શાળાનો વિદ્યાર્થી માનવ અચાનક ગુમ થઈ ગયો હતો. 20 જાન્યુઆરીથી ગુમ થયેલો બાળક અંતે 40 કલાક બાદ મળી આવ્યો છે. કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. 9માં ધોરણમાં ભણતો માનવ ગુમ થઈ જતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. 24 કલાક વિત્યા બાદ પણ માનવ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શાળામાં જઈ હોબાળો કર્યો હતો.
માનવના માતા-પિતાએ શાળામાં કર્યો હતો હંગામો
ઠક્કરબાપાની રઘુવીર શાળામાં ભણતો માનવ સ્કૂલમાંથી એકાએક ભાગી ગયો હતો. સ્કૂલમાંથી જતા રહ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. 24 કલાક વિત્યા બાદ પણ માનવ ઘરે ન આવતા અધિરા બનેલા પરિવારના સભ્યોએ શાળામાં હોબાળો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો માનવ
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પોલીસ માનવની શોધખોળ કરી રહી હતી. અંદાજીત 40 કલાક બાદ માનવ કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યો હતો. માનવ જ્યારે મળ્યો ત્યારે તે સ્કુલ યુનિફોર્મમાં ન હતો પરંતુ બદલાયેલા કપડામાં મળ્યો હતો. કપડા બદલાયેલા હતા તે અનેક સવાલો ઉભી કરી રહ્યું છે. મોડી રાત્રે બાળક સ્ટેશન પરથી મળી આવતા માતા પિતાને બાળક સોંપવામાં આવ્યું છે. સુરક્ષિત હાલતમાં બાળક મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ શાળામાંથી માનવ શા માટે ભાગી ગયો હતો તે કારણ હજી પણ અકબંધ છે.