લોકસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિપક્ષો દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું. પરંતુ ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળમાં છે 42 લોકસભા બેઠક
મમતા બેનર્જીએ જણાવ્યું છે કે તે બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. મમતાના એલાનથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે કારણ કે મમતા બેનર્જીએ પહેલા કોંગ્રેસને બે સીટો આપવાની વાત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણુમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં એકલા ચાલોનો નારો આપ્યો છે. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં 42 લોકસભાની સીટો છે અને તમામ બેઠકો પર એકલા હાથે તૃણુમલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. સીટ શેરિંગ અંગે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે સીટ શેરિંગ અંગે કોઈ પણ નેતા(કોંગ્રેસ) સાથે વાત નથી થઈ.
મમતા બેનર્જીએ જણાવ્યું કે...
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી કહે છે કે "મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી પરંતુ અમે એક સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં , અમે એકલા જ ભાજપને હરાવીશું. હું ભારત ગઠબંધનનો એક ભાગ છું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની જાણ કરવામાં આવી નથી..."