દેશભરમાં ગુજરાત મોડેલની ચર્ચા છે. ગુજરાત દેશના સૌથી વિકસીત અને સમૃધ્ધ રાજ્યોમાં અગ્રેસર છે. જો કે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા પર નજર કરીએ તો આ આંકડો આખો ખોલી નાખે તેવો છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં નવા જન્મેલા 18,819 જેટલા બાળકો ગંભીર કુપોષણનો ભોગ બન્યા છે. અને 5,881 ઓછા વજનવાળા બાળકોની નોંધણી કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1535 બાળકો નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં સૌથી ઓછા 80 બાળકો તેનો શિકાર બન્યા છે. જ્યાં સ્થિતિ ભયાનક છે એવા જિલ્લામાં અમદાવાદ કોર્પોરેશનમાં 1445, રાજકોટ કોર્પોરેશનમાં 1376, વડોદરા કોર્પોરેશનમાં 1153 એન જુનાગઢ કોર્પોરેશનમાં 1070 બાળકો છેલ્લા એક મહિનામાં કુપોષણનો શિકાર બની જન્મ્યા છે.
રાજ્યમાં 1.42 લાખ કુપોષિત બાળકો
કુપોષણના મુદ્દે સમગ્ર રાજ્યની જો વાત કરી તો ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત છે જેમાં સૌથી વધુ 14 હજારની સંખ્યા દાહોદમાં છે. ગુજરાતમાં હાલમાં 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બન્યાં છે. અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા 24,101 છે જ્યારે ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 1,18,041 છે. રાજ્યમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા 14,191 બાળકો છે.