અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો સામાન્ય છે. જો કે આ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યૂનાં કેસ ખુબ વધતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના તમામ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી વધારવાની તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત મેલેરિયા વિભાગ દ્વારા કોન્ટ્રાકટથી લેવામાં આવેલા કર્મચારીઓ પાસે અસરકારક કામગીરી કરાવવા પણ સુચના અપાઈ હતી.
ફોગિંગ અને દવા છંટકાવ અભિયાનનો પ્રારંભ
શહેરમાં મેલેરિયા વિભાગ તરફથી યોગ્ય રીતે ફોગીંગ કરવામાં આવતુ ન હોવાની ફરિયાદ સત્તાધારી પક્ષના કોર્પોરેટરો દ્વારા જ બેઠકમાં કરવામાં આવી હતી. વરસાદ બાદ ગંદકી અને ઠેરઠેર પાણી હજી ભરાયેલા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ગત ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના એડિસ મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. શહેરમાં ફોગિંગની અને દવા છટકાવની કામગીરી યોગ્ય થતી ન હોવાથી રોગચાળો વકર્યો છે.
મેડિકલ કેમ્પ ઉભા કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને રોકવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 9 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન થઈ ચૂક્યું છે. હજી 11 જેટલા મેડિકલ કેમ્પ કરવામાં આવશે. આમ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પાણીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી સપ્ટેમ્બર મહિનામાં 147 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 12 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે, ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.