વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે બીજેપીએ પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે કેટલીક સીટોમાં નવા ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિરોધ પણ જોવા મળ્યો હતો. જેમ કે મહુવા વિધાનસભામાં વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાની ટિકિટ કપાતા તેમના ટેકેદારો મેદાનમાં આવી ગયા છે.
શીવાભાઈ ગોહિલ સામે વ્યાપક વિરોધ
મહુવામાં નવા ચહેરા તરીકે શીવાભાઈ ગોહિલનું નામ જાહેર થતા ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થયો છે. વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાની ટિકિટ કપાતા તેમના સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મહુવા શહેર ભાજપ સંગઠન, ગ્રામ્ય સંગઠન, શહેર યુવા મોરચો તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો સહિતના ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સામૂહિક રાજીનામાં આપ્યા છે. વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાના સમર્થનમાં 400થી વધુ કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા છે. ભાજપના યુવા કાર્યકરો તેમજ હોદ્દેદારોના રાજીનામાં ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાને આપ્યાં છે.