ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. દેશના અર્થતંત્રમાં મોટો ભાગ ભજવાનારા ખેડૂતોના નસીબમાં જાણે રડવાનું જ લખાયું છે. કોઈ વખત કુદરતનો માર ખેડૂતોને સહન કરવો પડે છે તો કોઈ વખત કોઈની બેદરકારીને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. એક તરફ ખેડૂતો ડુંગળીના નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જેને કારણે ખેડૂતોને વધારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. કેનાલમાં ક્ષમતા કરતા વધારે પાણી છોડવામાં આવતા તે પાણી ખેતરમાં ઘૂસી ગયા છે અને પાકને મોટા પાયે નુકસાન થયું છે.
પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને આવે છે રડવાનો વારો
ખેડૂતોને આપણે જગતના તાત કહીએ છીએ. જગતના તાતની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. અનેક વખત વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત વરસાદ નથી પડતો તો ખેડૂતો ચિંતામાં મૂકાય છે તો કોઈ વખત વધારે વરસાદ પડે છે માટે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત કમોસમી વરસાદ થતો હોય છે તો પાકને નુકસાન થતું હોય છે તો કોઈ વખત પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. આ બધા વચ્ચે મહીસાગરથી વીડિયો સામે આવ્યો છે જેમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું!
કેનાલમાં જો પાણીનો જથ્થો વધારે થઈ જાય છે તો તે પાણીના જથ્થાને છોડવામાં આવે છે. પાકને આમ તો પાણીની જરૂરત હોય પરંતુ જ્યારે હોય ત્યારે. મહીસાગરથી એક વીડિયો સામે આવ્યો છે જે ખાનપુર તાલુકાનો છે. જમણા કાંઠા કેનાલનું પાણી છોડવામાં આવતા તે પાણી 3 ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું. કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જવાથી શિયાળા પાકને મોટા પાયે નુકસાન થયું છે. સિંચાઈ વિભાગ દ્વારા માગ કરવામાં આવી રહી છે પાણી બંધ કરવામાં આવે.